
અન્નક્ષેત્ર વિશે માહિતી
વ્રજ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી બાંકે બિહારીજી ધામ ખાતે ૨૪ કલાક અન્નક્ષેત્ર સેવા અવિરત રીતે કાર્યરત છે, જ્યાં આજના સમયમાં પણ ભક્તો માટે નિઃશુલ્ક, શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરાઈ રહી છે. મંદિરના ધ્યેય અનુસાર “કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન જાય” — આ એક માત્ર સંકલ્પ નથી, પણ વ્રજ સેવા ટ્રસ્ટના સર્વે કાર્યકરો અને સેવાભાવી ભક્તો માટે આ જીવંત પ્રતિજ્ઞા છે, જેને પ્રતિદિન પૂર્ણ કરવાની દિશામાં સૌ નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છે. ડાકોર જતા પદ્યાત્રિકો માટે આ અન્નક્ષેત્ર એક વિશેષ આશીર્વાદરૂપ છે. યાત્રા દરમિયાન થતી થકાવટ અને ભોજન માટેની અનિશ્ચિતતામાં આ સ્થળ તેમને સંતોષકારક, સ્વાગતસભર અને ભક્તિમય અનુભાવ આપે છે. ડાકોર જતા યાત્રામાર્ગ પર આ એવુ એકમાત્ર સ્થાન છે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક, શાંતિ અને ભક્તિભાવ સાથે વિનામૂલ્યે ભરપેટ ભોજન પ્રાપ્ત કરી શકે છે — એ પણ પ્રેમભર્યા આવકાર સાથે.
આ અન્નક્ષેત્ર માત્ર ભોજન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ એ તો ભક્તિ, માનવતા અને કરુણાનો જીવંત સ્પંદન છે. ચાની સાથે પ્રેમ મળે છે અને દરેક ભોજનસેવકને મહાપ્રસાદની જેમ અનુભવ થાય છે. આવા પવિત્ર કાર્યની પાંખો ભક્તોની સેવા, માતા અન્નપૂર્ણાની કૃપા અને વ્રજ સેવા ટ્રસ્ટના અવિરત સંકલ્પથી ઉજળી રહી છે.


