
શ્રી રાધે આશ્રમ – ઘર જેવું આશ્રય ધામ
રાધે આશ્રમ એ શ્રી બાંકે બિહારીજી ધામ, બોરડી ખાતે નિર્માણ પામતું ૧૦૮ રૂમોનું એક આધ્યાત્મિક અને સંવેદનાપૂર્ણ આશ્રયસ્થાન છે. આ આશ્રમ ખાસ કરીને એવાં વડીલ ભક્તો માટે છે જેમના ઘરમાં ઠાકોરજીએ દીકરો નથી આપ્યો, જેમણે જીવનભર સંતાન વિના જીવન વિતાવ્યું છે, કે જેમની માત્ર દીકરીઓ છે અને જેમને મનમાં એ ચિંતા સતાવે છે કે “મારું ઘડપણ કોણ સંભાળશે?” આવા માતાપિતાઓ માટે રાધે આશ્રમ એ આશા અને સંભાળનું ઘર છે. અહીં રહેવા માટે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. આ સેવા કોઇ દાન-સહાયના બદલે, ભક્તિ અને પ્રેમ પર આધારિત છે. શ્રી બાંકે બિહારીજી પોતે એમના દીકરા બનીને ઘડપણમાં એમનું જીવન ગૌરવપૂર્ણ અને શાંતિમય બનાવે — એ ધ્યેયથી આ આશ્રમ કાર્યરત છે. દરેક રૂમમાં ભક્તિભાવ, સૌમ્યતા અને સત્સંગનું વાતાવરણ રહે એ માટે નિમિત્તમાત્ર સેવા કરવામાં આવે છે.
આ આશ્રમ માત્ર ઈમારત નહીં, પરંતુ એવાં અસહાય અને દિવ્યાંગ આત્માઓ માટે એક જીવંત આશીર્વાદ છે. અહીં ચાની સાથે પ્રેમ મળે છે, અને ભોજન નથી પણ પ્રસાદ મળે છે. દરેક મહેમાન માટે અહીંનું વાતાવરણ એવું છે કે જેમના માટે ભગવાને ખુદ ઘર ઊભું કર્યું હોય. તમે પણ આ દિવ્ય કાર્યમાં સહભાગી બની શકો છો – ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપ યોગદાન આપીને આ પવિત્ર યાત્રાનો ભાગ બની શકો છો. કોઈનું ઘડપણ તમારા નાનાં સહયોગથી સુરક્ષિત અને સંવેદનાશીલ બની શકે છે.

શ્રી ગીતાસાગર મહારાજ ના મુખે શ્રી રાધે આશ્રમ નું વર્ણન



